અમરેલી જિલ્લામાં અવારનવાર સામે આવતી ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ સામે વડિયા મામલતદાર યોગેશ બારડે લાલ આંખ કરી છે. વડિયા-કુંકાવાવ વિસ્તારમાંથી પસાર થતાં બિનઅધિકૃત ખનીજ ભરેલા વાહનો સામે કડક ઝુંબેશ ચલાવીને માત્ર ૨૪ કલાકના સમયગાળામાં રેતીનું ગેરકાયદે વહન કરતાં બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે.શેત્રુજી નદીમાંથી વગર રોયલ્ટી પાસ કે પરમિટ વગર સાદી રેતી ભરીને જતાં પ્રથમ ડમ્પરને કુંકાવાવ નજીકથી ઝડપાયું હતું. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે ચાર વાગ્યે વોચ ગોઠવી ચોકી ચેકપોસ્ટ પાસેથી બીજું ડમ્પર પકડી પાડવામાં આવ્યું હતું.તંત્ર દ્વારા કુલ રૂ.૩૧.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વડિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. મામલતદાર યોગેશ બારડ, સર્કલ ઓફિસર કુલદીપસિંહ સિંધવ અને રેવન્યુ ટીમની આ સફળ કામગીરીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.