સાવરકુંડલા અને લીલીયા, ખાંભા, ધારી તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાવરકુંડલામાં વરસાદ થંભ્યા બાદ મેઘધનુષ્ય ખીલી ઊઠતાં સ્થાનિકો અને રાહદારીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. બીજી તરફ, લીલીયા, અંટાળીયા, શેઢાવદર, હાથીગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ સાંજના સમયે અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વીરપુર, ઈંગોરાળા, વાંકુનીધાર અને મોટા સમઢીયાળા ખાતે અનરાધાર ૧.૫ થી ૨ ઈંચ વરસાદ ખાબકતાં નદી-નાળામાં પૂર આવ્યા હતા. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી સુકાતા
કૃષિ પાકને નવજીવન મળતાં જગતના તાતમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.









































