અમરેલી પોલીસે ગુજરાતમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. SD Pay અને અપના પે નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે રોકાણ પર દરરોજ ઊંચું વળતર આપવાની લાલચ આપી લાખો રોકાણકારો સાથે કથિત રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે છ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આ કૌભાંડમાં આશરે રૂ. ૬૩૫ કરોડની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે.કૌભાંડને અંજામ આપવા માટે આરોપીઓએ એસ.ડી. હબ, શિવ ધરતી કોમ્યુનિકેશન અને ઉપાય ડીજી સહિત કુલ સાત બોગસ કંપનીઓ ઊભી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કંપનીઓના અલગ-અલગ ૧૫ બેંક ખાતાઓમાં રૂ. ૬૩૫ કરોડથી વધુની રકમના વ્યવહારો અને જમા રકમ મળી આવી છે. પોલીસે આ બેંક ખાતાઓ તેમજ નાણાકીય વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા કૌભાંડ સાથે સંકળાયેલા લોકો, નાણાકીય વ્યવહારો અને એપ્લિકેશનના સંચાલકો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાયબર કૌભાંડના તાર ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી ફેલાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને સુરત સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં નાના રોકાણકારો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ SD Pay એપ્લિકેશન બનાવીને તેને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવી હતી. આ એપ્લિકેશનના ૧૦ લાખથી વધુ ડાઉનલોડ અને યુઝર્સ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પોતાના રેફરન્સ મારફતે આશરે પોણા બે લાખ લોકોને આ નેટવર્ક સાથે જોડ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત NCCAP પોર્ટલ પર પણ આ કંપનીઓ સાથે જોડાયેલા બેંક ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી આશરે ૮૩ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. SD Pay એપ્લિકેશનમાં રોકાણકારોને અલગ-અલગ રકમના રોકાણ સામે દૈનિક કેશબેક આપવાની લાલચ આપવામાં આવતી હતી. રૂ. ૧,૦૦૦થી રૂ. ૨૫,૦૦૦ સુધીના રોકાણ પર દરરોજ ૦.૧૫ ટકા, રૂ. ૨૫,૦૦૦થી રૂ. ૧ લાખ સુધીના રોકાણ પર ૦.૨૦ ટકા, રૂ. ૧ લાખથી રૂ. ૫ લાખ સુધીના રોકાણ પર ૦.૨૫ ટકા અને રૂ. ૫ લાખથી વધુના રોકાણ પર દરરોજ ૦.૩૦ ટકા કેશબેક આપવાની જાહેરાત કરવામાં આવતી હતી.









































