બાબરાના કોટડાપીઠા ગામે લાયઝનિંગનું કામ ન આપવાનો ખાર રાખી અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પવનચક્કીના પાંખડા ચડાવવા માટેની મોટી ક્રેનની ઓપરેટર કેબિનના કાચ તોડી નુકસાન પહોંચાડ્‌યું હતું.આ અંગે શૈલેષભાઈ રાણાભાઈ હેલૈયા (ઉં.વ. ૨૨)એ જયપાલ કિરીટભાઈ બોરીચા તથા વનરાજ વલકુભાઈ બોરીચા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ કોટડાપીઠા ગામમાં પવનચક્કી ઊભી કરવાનું કામ શરૂ હોય તેનું લાયઝનિંગનું કામ રાખવા માગતા હતા. પરંતુ કંપની કામ આપતી ન હોવાથી તેઓ અવારનવાર કંપની પાસે પૈસાની માંગણી કરતા હતા.કંપની કામ કે પૈસા આપતી ન હોવાનો ખાર રાખી, આરોપીઓએ બળજબરીપૂર્વક લાયઝનિંગનું કામ મેળવવાના ગુનાહિત કાવતરાના ભાગરૂપે નંબરપ્લેટ વગરની સફેદ ક્રેટા ગાડીમાં આવી ફરિયાદી તથા સાક્ષીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ફરિયાદી અને સાક્ષીઓએ છેલ્લી ઘડીએ ખસી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા.ત્યારબાદ આરોપીઓએ ગાડીમાંથી ઊતરી હાથમાં લોખંડના પાઇપ લઈ મારવા માટે તેમની પાછળ દોડ્‌યા હતા. તેમણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પવનચક્કીના સ્થળ પર પડેલી હાઇડ્રો ક્રેનની ઓપરેટર કેબિનના કાચ તોડી નુકસાન કર્યું હતું. આ મામલે અમરેલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.