ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવેલી વાઇન એન્ડ ડાઇન સુવિધા બાદ વિદેશી દારૂના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલી માહિતી મુજબ માત્ર એક વર્ષના સમયગાળામાં જ વિદેશી દારૂના વેચાણમાં અનેક ગણો વધારો નોંધાયો છે. ગિફ્ટ સિટીમાં દેશ-વિદેશની કંપનીઓની ઓફિસો તેમજ ઉદ્યોગપતિઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર રહેતી હોવાથી આ સુવિધા શરૂ કરવામાં આવી હતી.
વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે આપેલી વિગતો અનુસાર, ૧ ઓગસ્ટ ૨૦૨૪થી ૩૧ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ગિફ્ટ સિટીના વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી વિસ્તારમાં ૩,૭૧૬.૨૮ લિટર વિદેશી દારૂનું વેચાણ થયું હતું. ત્યારબાદના એક વર્ષમાં એટલે કે ૧ ઓગસ્ટ ૨૦૨૫થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં આ આંકડો સીધો વધીને ૫૫,૬૩૮.૧૯ લિટર થઈ ગયો હતો. આ આંકડા પરથી માત્ર એક વર્ષમાં દારૂના વેચાણમાં કેટલો મોટો વધારો થયો તે સ્પષ્ટ થાય છે.
ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ તરીકે વિકસાવવાના હેતુથી ડિસેમ્બર ૨૦૨૩માં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરવામાં આવી હતી. આ વ્યવસ્થા હેઠળ મંજૂર કરાયેલા વિસ્તારમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ જેવી જગ્યાઓ પર નિર્ધારિત નિયમો મુજબ દારૂ પીવાની સુવિધા આપવામાં આવે છે. અહીં ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત બહારથી આવતા લોકો માટે પણ નિયમોને આધીન આ સુવિધા ઉપલબ્ધ છે.ગુજરાતી ન્યૂઝ
ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં થયેલા વધારા સાથે સરકારની આવકમાં પણ વધારો થયો છે. રજૂ કરાયેલી વિગતો પ્રમાણે બે વર્ષના સમયગાળામાં વિદેશી દારૂના વેચાણમાંથી સરકારને ૮૭.૩૯ લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા શરૂ થયા બાદ વેચાણમાં થયેલો આ મોટો ઉછાળો હવે ચર્ચાનો વિષય બન્યો છે.