અમરેલી શહેરમાં ખુલ્લેઆમ દારૂ પીને રખડતા અસામાજિક તત્વોના કારણે શહેરીજનો ત્રાહિમામ પુકારી ઊઠ્‌યા છે. શહેરના સરદાર ચોક અને બાપા સીતારામ સર્કલ પાસે ઘણા સમયથી જાહેરમાં દેશી દારૂ તેમજ ડ્રગ્સનું વેચાણ થતું હોવાની લોકચર્ચા જાગી છે.ગઈકાલે સવારે એક દારૂડિયાએ હાથમાં છરી સાથે જાહેરમાં ધમાલ મચાવતાં નાસભાગ મચી ગઈ હતી. આ અંગે જાગૃત નાગરિકોએ ત્રણ વખત પોલીસ કંટ્રોલ રૂમ અને ૧૧૨ નંબર પર જાણ કરી હોવા છતાં, એક પણ પોલીસ કર્મચારી સ્થળ પર પહોંચ્યો નહોતો. પોલીસની આ નિષ્ક્રિય કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ચક્કરગઢ રોડ પર અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે વેપારીઓની દુકાનો બંધ કરાવતા અને રાહદારીઓને હેરાન કરતા હોવાના કિસ્સા બન્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તે માટે પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે તેવી શહેરીજનોએ માગ કરી છે.