વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આવતીકાલે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬ વાગ્યે અમરેલી સ્થિત પવિત્ર કામનાથ મહાદેવ મંદિર ખાતે જિલ્લાકક્ષાના ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, જીલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. ‘આશીર્વાદના દીવા’ મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવશે. મંદિરના વિશાળ પટાંગણમાં વિવિધ સ્થળોએ હજારો દીવા પ્રજ્વલિત કરવામાં આવશે. આ ઉપરાંત આકર્ષક રંગોળીઓથી મંદિર પરિસરને સુશોભિત કરવામાં આવશે. ઋષિગણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવશે, જ્યારે ભગવાન કામનાથ મહાદેવની સન્મુખ ભક્તિભાવપૂર્વક વિશેષ મહાઆરતી યોજાશે. સાથે જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવશે. જિલ્લાકક્ષાના કાર્યક્રમ નિમિત્તે અમરેલી શહેરને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. સેન્ટર પોઈન્ટ, નાગનાથ ચોક, એસ.ટી. બસ સ્ટેશન, શિવાજી સર્કલ સહિતના મહત્વના સ્થળો અને મુખ્ય માર્ગો પર આકર્ષક લાઈટિંગ કરવામાં આવશે. જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય વાતાવરણ સર્જાશે. આ ઉપરાંત સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકાવાર ‘આશીર્વાદના દીવા’ના કાર્યક્રમો પણ યોજાશે. અમરેલી તાલુકાનો કાર્યક્રમ સૌના શિવ, દેવભૂમિ દેવળિયા ખાતે, બાબરા તાલુકાનો કાર્યક્રમ તાપડિયા આશ્રમ ખાતે, લીલીયા તાલુકાનો રામજી મંદિર-આંબા ખાતે, બગસરા તાલુકાનો શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અને લાઠી તાલુકાનો કાર્યક્રમ દુઃખભંજન મહાદેવ મંદિર ખાતે યોજાશે. ખાંભા તાલુકાનો કાર્યક્રમ માનકેશ્વર મંદિર, રાજુલા તાલુકાનો ભંડારિયા દાદા-ભાક્ષી, સાવરકુંડલા તાલુકાનો શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ગ્રાઉન્ડ, જાફરાબાદ તાલુકાનો રામજી મંદિર-રોહિસા, ધારી તાલુકાનો શ્રી સ્વામિનારાયણ મંદિર અને કુંકાવાવ તાલુકાનો કાર્યક્રમ શિવ મંદિર (શારદા શોપિંગ) ખાતે યોજાશે. તાલુકાકક્ષાના આ કાર્યક્રમોમાં સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે.









































