બગસરા તાલુકાના હડાળા ગામે હનીટ્રેપ અને તોડબાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને પ્રેમજાળમાં ફસાવી તેના પ્રાઇવેટ પાર્ટના ફોટા પાડી લઈ, તેને વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભેજાબાજોની ટોળકીએ કુલ રૂ. ૧૬,૩૦,૧૧૦ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે યુવકે અમરેલીની નીલમ કાકડિયા, હાલ સુરત રહેતા પ્રતિકભાઇ પરશોતમભાઇ પાઘડાળ તથા અવિનાશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને આ ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં નીલમ કાકડિયા નામની યુવતીએ યુવક સાથે વોટ્સએપ મારફતે સંપર્ક સાધી પ્રેમભરી વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ વીડિયો કોલ દરમિયાન યુવકને નગ્ન થવાનું કહી, તેની જાણ બહાર તેના પ્રાઇવેટ પાર્ટના ફોટા અને સ્ક્રીનશોટ્સ લઈ લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને નીલમે તેની પાસેથી ઓનલાઇન તથા આંગડિયા મારફતે જુદા-જુદા બેંક ખાતાઓમાં રૂ. ૮,૯૪,૧૧૦ પડાવી લીધા હતા.આ કાવતરામાં સામેલ પ્રતિક પાઘડાળ નામના અન્ય શખ્સે યુવકનો સંપર્ક કરી ફોટા વાયરલ ન કરવા અને મામલો થાળે પાડવા માટે દબાણ કર્યું હતું. તેણે સેટલમેન્ટ પેટે યુવક પાસેથી ઓનલાઇન તથા આંગડિયા મારફતે વધુ રૂ. ૭,૩૬,૦૦૦ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ, બંને આરોપીઓએ ભેગા મળી ફરિયાદી પાસેથી કુલ રૂ. ૧૬,૩૦,૧૧૦ ની માતબર રકમ પડાવી લીધી હતી.આટલેથી ન અટકતાં, આ ટોળકીમાં સામેલ અવિનાશ પટેલ નામના ત્રીજા શખ્સે પણ યુવકને વોટ્સએપ પર ટેક્સ્ટ મેસેજ મોકલી બીભત્સ ગાળો ભાંડી હતી. તેણે હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી વધુ રૂપિયાની બળજબરીપૂર્વક ઉઘરાણી શરૂ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









































