વાંકીયા ગામના જાગૃત મહિલા સરપંચ નયનાબેન દાતેવાડીયાએ શેત્રુજી નદીમાં બેફામ રેત ચારી કરતા ખનીજ માફિયાઓ સામે મોરચો માંડીને વહીવટી તંત્રને દોડતું કરી દીધું છે.પત્રકારોને સાથે રાખી નદીના પટમાં રેઈડ કરતા રેત માફીયાઓમા ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત-દિવસ ૨૪ કલાક ધમધમતા ડમ્પરો દ્વારા કરોડો રૂપિયાની બેફામ રેતી ચોરીનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. મહિલા સરપંચે ખાણખનીજ અધિકારીઓને આડેહાથ લેતા જણાવ્યું છે કે તેમની ઓફિસના માણસો દ્રારા જ રેતચોરોને છાવરવામાં આવે છે. અને કાર્યવાહીની જાણ અગાઉથી જ કરી દેવામાં આવે છે. આટલા મોટા પાયે ચોરી થતી હોવા છતાં ખનીજ વિભાગ અને તંત્ર શા માટે ઢીલી નીતિ અપનાવી રહ્યું છે? વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ સામે હવે શંકાની સોય ચીંધાઈ રહી છે. સરપંચના આક્રમક વલણ બાદ પણ શું તંત્ર આ બેલગામ ભૂમાફિયાઓ પર લગામ કસવાની ત્વરિત અને કડક કાર્યવાહી કરશે કે પછી રાજકીય દબાણ સામે ઘૂંટણ ટેકવી દેશે? તે હવે મોટો પ્રશ્ન બની રહ્યો છે.








































