ગોંડલના આઈકોનિક રોડ પર આયોજિત લોકમેળામાં ગઈકાલે મોડી રાત્રે લોહિયાળ હિંસા સર્જાઈ હતી. મેળામાં ફોટો ફ્રેમનો સ્ટોલ ધરાવતા સંચાલકો પર અજાણ્યા હુમલાખોરે અચાનક છરી વડે જીવલેણ હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં મધ્યપ્રદેશના વતની રમાશંકર બર્મન (ઉં.વ. ૨૫)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ઉત્તર પ્રદેશના વિશાલ શર્મા (ઉં.વ. ૨૮) ગંભીર રીતે ઘાયલ થતાં તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. બી-ડિવિઝન પોલીસે જીવના જોખમે નાસી છૂટેલા આરોપીને નજીકના કોમ્પલેક્ષમાંથી પકડી પાડ્‌યો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાથી ભારે ચકચાર જાગી છે.