ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતી પર સંકટ ઊભું થયું છે. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકામાં મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ઉના તાલુકાના રેવદ ગામના ખેડૂત અરજણભાઈ નારણભાઈ જાખોત્રાએ સોખડા ગામે છ વીઘામાં વાવેલા મગફળીના પાકમાં વરસાદના અભાવે ટ્રેક્ટર ફેરવી દીધું હતું. એક વીઘા પાછળ અંદાજે રૂ.૧૫થી ૨૦ હજારનો ખર્ચ થયો હોવાનું ખેડૂતો જણાવે છે. કૂવામાં પાણીનું સ્તર ઘટતાં સિંચાઈ મુશ્કેલ બની છે. અનિયમિત વીજળી પુરવઠાથી પણ ખેડૂતોની મુશ્કેલી વધી છે. મગફળી ઉપરાંત કપાસ, ડુંગળી અને સોયાબીનના પાકને પણ નુકસાનની ભીતિ છે. ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરાવી રાહત પેકેજ આપવા તેમજ નિયમિત ખેતીવાડી વીજળી પુરવઠો આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે.









































