શહેરના રામોલ વિસ્તારમાં ૧૩ વર્ષની માસૂમ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર ૩૮ વર્ષીય નરાધમ આરોપી રોહિત ઉર્ફે ફોજીને સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક સજા ફટકારી છે. કોર્ટે આ ગંભીર ગુના બદલ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ ૨૭ હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, પીડિત સગીરાના પુનર્વસન માટે ‘વિકટીમ કમ્પન્સેશન સ્કીમ’ હેઠળ ૪ લાખનું વળતર ચૂકવવાનો સ્પષ્ટ આદેશ પણ કરવામાં આવ્યો છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા આરોપી રોહિત ઉર્ફે ફોજી સુર્યવંશસિંહ ચૌહાણે એપ્રિલ ૨૦૨૪ દરમિયાન પોતાના જ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરાને ઘરકામના બહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેણે સગીરાને ધમકાવીને તેની સાથે અડપલાં કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. આ કુકર્મ બાદ જા કોઈને પણ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપી વારંવાર સગીરાને પોતાના ઘરે બોલાવી તેની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો.
ઓગસ્ટ ૨૦૨૪માં સગીરાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં પરિવારે તબીબી તપાસ કરાવી હતી, જેમાં સગીરા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પૂછપરછ દરમિયાન સગીરાએ પોતાની આપવીતી જણાવતાં દાદીએ ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ગણતરીના સમયમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેના આધારે કેસ ટ્રાયલ પર આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે મજબૂત દલીલો, સાક્ષીઓની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે આરોપીએ સગીરાના જીવન સાથે ગંભીર ખિલવાડ કર્યો છે. ફરિયાદી અને ભોગ બનનારે આરોપીને સ્પષ્ટપણે ઓળખી બતાવ્યો છે, જેથી સમાજમાં દાખલો બેસે અને કાયદાનો ભય જળવાઈ રહે તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી જરૂરી છે.
તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એચ. એન. દેસાઈએ નોંધ્યું હતું કે આરોપી સામેનો કેસ શંકાથી પર પુરવાર થયો છે. આવા ગંભીર અને માનવતાને શરમાવતા ગુનામાં આરોપી પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા દાખવી શકાય નહીં. કોર્ટે આરોપીને ૨૦ વર્ષની જેલની સજા ફટકારીને સમાજમાં કડક સંદેશ આપ્યો છે.









































