મોરવા હડફ તાલુકાના ભૂવર ગામ નજીકથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતા એક પિતાએ પોતાના જ ત્રણ મહિનાના બાળકની હત્યા કરી હોવાનો આરોપ છે. પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન આરોપીએ બાળકની પિતૃત્વ અંગે શંકા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ માસૂમ બાળકને નજીકના કૂવામાં ફેંકી દીધો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની જાણ થતાં સંતરામપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આશિષ રમેશ ભૂરીયા અને હિનાબેન ભૂરીયાના લગ્ન આશરે એક વર્ષ અગાઉ થયા હતા. દંપતીને ત્રણ મહિનાનું બાળક હતું. ઘટનાના એક દિવસ અગાઉ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે હિનાબેન પોતાના પિયર ગયા હતા. તહેવારની ઉજવણી કર્યા બાદ તેઓ પરત સાસરે આવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ પતિ-પત્ની વચ્ચે ફરી કોઈ મુદ્દે તકરાર થઈ હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઝઘડા દરમિયાન આશિષે પત્ની સામે બાળક પોતાના હોવા અંગે શંકા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેણે બાળકના પિતૃત્વ અંગે સવાલ ઉઠાવ્યો હતો. આરોપ છે કે ઝઘડો ઉગ્ર બન્યા બાદ આશિષે ઘરના આંગણામાં ખાટલા પર સૂતેલા ત્રણ મહિનાના બાળકને ઊંચકી લીધું હતું અને ઘર નજીક આવેલા કૂવામાં ફેંકી દીધું હતું.
બાળકને કૂવામાં ફેંકી દેવાયા બાદ તે ઊંડા પાણીમાં ડૂબી ગયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. પોલીસને જાણ કરવામાં આવતા સંતરામપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જરૂરી કાર્યવાહી બાદ બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ હૃદયદ્રાવક ઘટનાને પગલે બાળકની માતા હિનાબેને પોતાના પતિ આશિષ ભૂરીયા વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઝઘડાનું કારણ, આરોપી દ્વારા બાળકને કૂવામાં ફેંકવાના આરોપ સહિતની તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
ત્રણ મહિનાના માસૂમ બાળકના મોતની ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. પીડિત માતા અને પરિવાર દ્વારા બાળકના મોત માટે જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે બાળકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.










































