બગસરા-જેતપુર રોડ પર સરકારી જમીન પર લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણો સામે બગસરા મામલતદાર તથા નગરપાલિકા ઓફિસર એ.એચ. કાતરીયાની આગેવાની હેઠળ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. નગરપાલિકાની ટીમે જેસીબીની મદદથી માર્ગની આસપાસ આવેલા કાચા-પાકા બાંધકામો અને અન્ય દબાણો દૂર કરી આશરે ત્રણ વીઘા સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. આ જમીન રાજ્ય સરકાર દ્વારા બગસરા શહેર માટે મંજૂર કરાયેલા આધુનિક ટાઉન હોલના નિર્માણ માટે ફાળવવામાં આવી છે. દબાણોના કારણે ટાઉન હોલનું કામ અટવાયેલું હતું. હવે જમીન ખુલ્લી થતાં પ્રોજેક્ટની કામગીરીને વેગ મળવાની શક્યતા છે. દબાણ હટાવ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર, પદાધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.









































