રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં બાળકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ ખાદ્ય જૂથો અને પોષણયુક્ત ખાદ્ય સામગ્રીનું પ્રદર્શન કરી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો દૈનિક આહારમાં ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. સંતુલિત અને વિવિધતાસભર આહારના મહત્વ સાથે સ્વચ્છતા અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોમાં સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. બાળકોને નિયમિત શારીરિક પ્રવૃત્તિ માટે સરળ કસરત અને યોગાભ્યાસ કરાવવામાં આવ્યા હતા. ડિજિટલ માધ્યમથી પણ પોષણ અંગેની માહિતી આપવામાં આવી હતી.પ્રવૃત્તિઓનો હેતુ બાળકો અને વાલીઓમાં પોષણ, સ્વચ્છતા અને તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ વધારવાનો રહ્યો હતો.









































