ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર સાથે ઓનલાઈન ફ્લાઈટ ટિકિટ બુકિંગના નામે ૧ લાખ ૮૭ હજાર રૂપિયાની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો છે. કેનેડા જવા માટે પાંચ ટિકિટ બુક કરાવવા વૃદ્ધે ફેસબુક પર જાયેલી જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ડિસ્કાઉન્ટમાં ટિકિટ અપાવવાની વાત કરી ગઠિયાએ પાંચ ટિકિટ માટે કુલ ૩.૧૭ લાખનું પેમેન્ટ કરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, મેમનગરમાં રહેતા અમૃત પટેલ આશરે ત્રણ વર્ષ પહેલાં લાલ દરવાજાની સિટી કોલેજમાંથી પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા હતા. તેમનો પુત્ર કેનેડામાં સિટીઝન હોવાથી તેમની પત્ની અને પુત્રી આશરે સાત મહિના પહેલાં કેનેડા ગયા હતા. હવે અમૃતભાઈ અને તેમની દીકરીને પણ કેનેડા જવાનું હોવાથી તેઓ ફ્લાઇટ ટિકિટની શોધમાં હતા.
આ દરમિયાન અમૃતભાઈએ ફેસબુક પર ફ્લાઇટ ટિકિટ ડિસ્કાઉન્ટમાં અપાવવાની જાહેરાત જાઈ હતી. જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સામેની વ્યક્તિએ એક ટિકિટનો ભાવ ૬૦ હજાર હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં એક ટિકિટ બુક કરાવ્યા બાદ અમૃતભાઈએ પોતાની તથા તેમના ભાઈ સહિત કુલ પાંચ ટિકિટ બુક કરાવી હતી અને તેના માટે કુલ ૩.૧૭ લાખ ચૂકવ્યા હતા.
જાકે, ફ્લાઇટના એક દિવસ પહેલાં સુધી બો‹ડગ પાસ ન મળતાં અમૃતભાઈને શંકા ઉપજી હતી. તેમણે ટિકિટ અને બુકિંગની વિગતો તપાસતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ગઠિયાએ તેમની જાણ બહાર ત્રણ ટિકિટ કેન્સલ કરાવીને આશરે ૧.૮૭ લાખનું રિફંડ પોતે મેળવી લીધું હોવાનો આક્ષેપ છે.
આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પીજે . પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ટિકિટ બુકિંગની વિગતો, ફેસબુક પરની જાહેરાત, જાહેરાતમાં આપવામાં આવેલો મોબાઈલ નંબર, પેમેન્ટ ટ્રાન્ઝેક્શન તેમજ કેન્સલ કરાયેલી ત્રણ ટિકિટના રિફંડની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ હવે રિફંડની રકમ કયા ખાતામાં ગઈ, જાહેરાત કોણે મૂકી હતી અને ટિકિટ બુકિંગમાં ઉપયોગમાં લેવાયેલા નંબર તથા બેન્ક એકાઉન્ટની વિગતોના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે.
આ રીતે ડિસ્કાઉન્ટમાં ફ્લાઇટ ટિકિટ અપાવવાની લાલચ આપી પહેલા પેમેન્ટ કરાવાયું અને ત્યારબાદ ટિકિટ કેન્સલ કરીને રિફંડની રકમ મેળવી લેવાઈ હોવાનો આક્ષેપ છે. હાલ ઘાટલોડિયા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.









































