મણીપુરના તામેંગલોંગ જિલ્લાના એક ગામમાં રવિવારે વહેલી સવારે શંકાસ્પદ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં એક મહિલાનું મોત થયું અને તેના પતિ અને પુત્ર ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઇમ્ફાલને જીરીબામ સાથે જાડતા રાષ્ટÙીય ધોરીમાર્ગ ૩૭ નજીક આવેલા ટોલેન કુકી ગામમાં સવારે ૪ વાગ્યાની આસપાસ બની હતી. શંકાસ્પદ આતંકવાદીઓએ અચાનક ગામને નિશાન બનાવીને ગોળીબાર કર્યો.
પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારમાં લહિંગગાઈ નામની એક મહિલાનું તેના ઘરમાં જ મોત થયું હતું. તેના પતિ અને પુત્ર ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં, સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને તબીબી સહાય પૂરી પાડી હતી. ઘટના બાદ, કૈમાઈ ગામ સત્તાવાળાએ આ હુમલાની સખત નિંદા કરી હતી, તેને “સમુદાયો વચ્ચે અસંતોષ અને વિભાજન બનાવવાનો ઇરાદાપૂર્વકનો અને દુર્ભાવનાપૂર્ણ પ્રયાસ” ગણાવ્યો હતો.
ગ્રામ સત્તાવાળાઓએ માંગ કરી છે કે અધિકારીઓ આ મામલાની નિષ્પક્ષ તપાસ કરે, હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ કરે અને તેમને કાયદા હેઠળ ન્યાય અપાવે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને હુમલા પાછળના લોકોની ઓળખ કરવાનો અને ઘટના પાછળનો હેતુ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે અગાઉ સુરક્ષા દળોએ મણિપુરના બે ખીણ જિલ્લાઓમાં પ્રતિબંધિત સંગઠનો સાથે જાડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ ધરપકડો બુધવારે કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આસામ રાઇફલ્સ અને ગઢવાલ રાઇફલ્સ દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે, નેશનલ રિવોલ્યુશનરી ફ્રન્ટ ઓફ મણિપુર (દ્ગઇહ્લસ્) ના ૨૮ વર્ષીય સક્રિય સભ્યની ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના માના ઇંગખોલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી ના ૪૪ વર્ષીય સભ્યની પણ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ચિંગમેઇરોંગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા અન્ય બે લોકોમાં, એક પ્રતિબંધિત કાંગલેઇ યાઓલ કન્ના લુપનો સક્રિય સભ્ય છે અને તેને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સાગોલ્ટોંગબામાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. બીજા વ્યક્તિની ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના અહલુપ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ કહે છે કે તે કેસીપી (નોંગડ્રેનખોમ્બા) સાથે સંકળાયેલ છે.









































