ઉના અને ગીર ગઢડા પંથકમાં લાંબા વરસાદી વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઉના શહેર સહિત સમઢીયાળા, મોલી, ધોકડવા, કાંધી અને સનવાવ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારોમાં પાણી વહેતા થયા હતા, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. આ વરસાદથી અસહ્ય ગરમી અને બફારામાંથી મુક્તિ મળતા ચોમેર ઠંડક પ્રસરી ગઈ છે. ખેતરોમાં મગફળી સહિતના ઊભા પાકને પાણીની ભારે જરૂરિયાત હોવાથી આ મેઘમહેર ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થઈ છે. જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં પાકને નવું જીવનદાન મળ્યું છે. મધ્ય ગીરનો મછુંન્દ્રી ડેમ હાલ ૪૮ ટકા જ ભરાયેલો હોવાથી આગામી દિવસોમાં પણ વધુ સારો વરસાદ થાય તેવી સ્થાનિકો અને ખેડૂતો આશા રાખી રહ્યા છે.









































