રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાના અમલ વચ્ચે બુટલેગરો જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે. નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો દારૂ અને બિયરની હેરાફેરી માટે નિતનવા કીમિયા અજમાવતા હોય છે, ત્યારે અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડો પાડી એક એસયુવી કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ૨૭ નવેમ્બર (શુક્રવાર)ના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંબા પાર્કના છાપરા તરફ જતા માર્ગ પર એક ખાનગી એપાર્ટમેન્ટની દીવાલ પાસે પીસીબીની ટીમે તવાઈ બોલાવી હતી. બાતમીના આધારે ગોઠવવામાં આવેલી વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઊભેલી એસયુવી કારની તલાશી લેવામાં આવતા તેમાંથી મોટા પ્રમાણમાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ ૬૮૪ નંગ જપ્ત કર્યા છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ-બિયરના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર સહિત કુલ રૂ. ૧૨,૭૮,૫૯૨નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પોશ અને રહેણાંક વિસ્તાર નજીક આ રીતે દારૂનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હોવાથી ભારે ચર્ચા જાગી છે.
જાકે, પોલીસના આ અચાનક દરોડા દરમિયાન આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા ન હતા. આ મામલે પોલીસે અમદાવાદના અસારવા-શાહીબાગ વિસ્તારમાં નીલકંઠ મહાદેવ પાસે આવેલી મનુભાઈની ચાલીના મકાન નંબર ૯૯૮માં રહેતા મહિપાલસિંહ ચાવડા, વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર શખસ તેમજ આગળની તપાસમાં જેમના નામ ખુલે તે તમામ શખસો વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
હાલમાં સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ફરાર આરોપીઓને દબોચી લેવા તેમજ આ દારૂનો જથ્થો ક્્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક નામો ખુલે અને મોટા ખુલાસા થાય તેવી શક્્યતા વ્યક્ત કરાઈ રહી છે.










































