ઉના તાલુકાના ખાપટ ગામની સીમમાં આવેલી રમેશચંદ્ર દવેની વાડીમાં બપોરના સમયે શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પાણીના કુંડામાં અચાનક હલચલ થતાં શ્રમિકોએ નજીક જઈને જોયું તો આશરે ૧૦ ફૂટ લાંબો વિશાળ અજગર દેખાયો હતો. કુંડામાં મહાકાય અજગરને જોઈને શ્રમિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શ્રમિકોએ તાત્કાલિક જસાધાર વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને ભારે જહમત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી બાચકામાં પૂરી લીધો હતો. અજગરને કોઈ ઈજા પહોંચાડ્‌યા વિના તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવતાં વાડી માલિક અને શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.