રવિવારની જાહેર રજાના દિવસે સાવરકુંડલામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને રસ્તા પર નીકળેલા રાહદારીઓ વરસાદમાં ભીંજાઈ ગયા હતા. વરસાદ બાદ પણ આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેતાં અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી આગામી સમયમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેરની મેઈન બજારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી હતી. ઢોળાવવાળા માર્ગને કારણે ઉપરવાસનું પાણી ઝડપથી નીચાણવાળા વિસ્તારોમાં પહોંચતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. ઝડપથી પસાર થતાં વાહનોના કારણે ગંદા પાણીના છાંટા રાહદારીઓ પર ઉડતાં અનેક લોકો ભીંજાયા હતા. સ્થાનિકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠાવી છે.