ઉના અને ગીરગઢડા પંથકમાં લાંબા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી જ વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઊભો પાક સુકાવાની ભીતિથી ચિંતાતુર બનેલા ખેડૂતોમાં વરસાદ પડતાં ખુશીની લહેર દોડી ગઈ છે. ઉના તાલુકાના નાંદરખ, મોઠા, આમોદ્રા, સાનખડા અને ગાંગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા તાલુકામાં સિઝનનો અત્યાર સુધી માત્ર અંદાજે ૧૨ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે પડેલા વરસાદથી ખેતીના પાકને મોટો ફાયદો થવાની આશા જાગી છે. આ ઉપરાંત દીવમાં પણ વરસાદ વરસ્યો હતો. નદી-નાળામાં નવા નીરની આવક થતાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.





































