રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે આયોજિત એક ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તથા ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોએ ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. વૈજ્ઞાનિક પદ્ધતિથી આ તમામ નાર્કોટિક્સ જથ્થાનો બિનહાનિકારક નાશ કરવામાં આવ્યો હતો. આ જ સ્થળેથી નાયબ મુખ્યમંત્રીએ લાકડીયા (ભચાઉ) ખાતે યોજાયેલા નાર્કોટિક્સ જથ્થાના નાશ કાર્યક્રમનો પણ ઓનલાઇન પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યના ૨૪ એકમો દ્વારા કુલ ૮૬૭ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ રૂ.૨૧૫૩ કરોડની કિંમતનો નાર્કોટિક્સ જથ્થો (૧૩,૨૪૯.૧૨૭ કિલોગ્રામ ડ્રગ્સ અને ૫,૭૧,૦૨૮ બોટલો) નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં ભરૂચ, નર્મદા, સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, તાપી-વ્યારા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ડાંગ-આહવા, વલસાડ, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, આણંદ, ખેડા-નડિયાદ, પશ્ચિમ રેલવે (વડોદરા અને અમદાવાદ), અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિત સી.આઈ.ડી. ક્રાઇમ અને એ.ટી.એસ.ની ટીમની કામગીરી આવરી લેવાઈ હતી.
ત્યારબાદ જીએસીએલ કંપની (દહેજ) ખાતે એન.ડી.પી.એસ. હેન્ડબુકના વિમોચનનો આયોજિત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરાયેલી આ હેન્ડબુકનો મુખ્ય હેતુ તપાસ અધિકારીઓને સુદ્રઢ માર્ગદર્શન પૂરું પાડવાનો અને કાયદાનું કડક અમલીકરણ કરવાનો છે.
આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘ડ્રગ મુક્ત ગુજરાત’ જાગૃતિ વીડિયો અને વ્યસનમુક્ત થયેલા પીડિતોના પ્રતિભાવો દર્શાવતી લઘુફિલ્મ તથા વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ વિભાગને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સમાજનું સૌથી મોટું દૂષણ ડ્રગ્સ છે. આ દૂષણ સામે ગુજરાત પોલીસ જે પ્રકારે જંગ લડી રહી છે તે ખરેખર વંદનીય છે. દરિયાના તેજ મોજાંઓ વચ્ચે, ભારત-પાકિસ્તાનની સરહદો પર અને અન્ય રાજ્યોમાં ફેલાયેલી ગુનેગારોની ‘મોડસ ઓપરેન્ડી’ તોડવામાં ગુજરાત પોલીસે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ અને કાર્ટેલ સામે મજબૂત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે. છેલ્લા દોઢ વર્ષથી આ અભિયાનને એક જંગની જેમ લડીને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં કન્વીક્શન રેશિયો ૬૫% ની આસપાસ છે, જે કાયદાકીય મજબૂતાઈ દર્શાવે છે. આગામી દિવસોમાં ડ્રગ્સના નેટવર્ક સાથે જાડાયેલા લોકો સામે કોઈ પણ કાયદાકીય છટકબારી ન રહે તે રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
પોલીસના માનવીય અભિગમની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ડ્રગ્સ વેચનારાઓ પકડાય ત્યારે તેમની પાસેથી મળતી માહિતીના આધારે આ દૂષણમાં ફસાયેલા યુવાનો અને તેમના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી તેમને સાચી દિશા આપવાનું સરાહનીય કાર્ય પણ પોલીસ કરી રહી છે.






































