મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીમાં ૩૮ ઇમારતો તોડી પાડવાના આદેશ બાદ, સમાજવાદી પાર્ટી હવે ખુલ્લેઆમ ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ સપા નેતા આઝમ ખાનના સમર્થનમાં બહાર આવી છે. પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવના નિર્દેશ પર, સપા સાંસદોનું એક પ્રતિનિધિમંડળ શનિવારે રામપુર પહોંચ્યું. આ પ્રતિનિધિમંડળે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, તેમનો ટેકો વ્યક્ત કર્યો, અને બાદમાં ડિમોલિશનના આદેશને પાછો ખેંચવાની માંગણી સાથે જિલ્લા મેજિસ્ટ્રેટને એક મેમોરન્ડમ સુપરત કર્યું.
સપા સાંસદોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની ઇમારતોને કોઈપણ કિંમતે તોડી પાડવા દેવામાં આવશે નહીં, અને જા જરૂર પડશે તો આ મુદ્દો સંસદ અને કોર્ટમાં ઉઠાવવામાં આવશે.
બે દિવસ પહેલા, વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેની આગેવાની હેઠળ સપા ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ રામપુર પહોંચ્યા હતા. શનિવારે, લગભગ ૧૦ પક્ષના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પણ રામપુર પહોંચ્યું હતું. રાજકીય વિશ્લેષકો આને ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી પહેલા સપા દ્વારા એક મોટી રાજકીય રણનીતિ તરીકે જુએ છે.
પ્રતિનિધિમંડળ પહેલા જૌહર યુનિવર્સિટી પહોંચ્યું અને છેલ્લા ઘણા દિવસોથી હડતાળ પર રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. સાંસદોએ વિદ્યાર્થીઓને તેમના સમર્થનની ખાતરી આપી અને પછી જિલ્લા મેજિસ્ટ્રેટ અજય કુમાર દ્વિવેદીને એક મેમોરન્ડમ સુપરત કર્યું, જેમાં રામપુર ડેવલપમેન્ટ ઓથોરિટી ડિમોલિશનના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી.ઇકરા હસને કહ્યું, “અમે દરેક ઈંટ માટે અમારા જીવનું બલિદાન આપીશું.”
મુરાદાબાદના સાંસદ રુચી વીરાએ કહ્યું કે જૌહર યુનિવર્સિટી શિક્ષણનું મંદિર છે અને તેને તોડી પાડવાનો આદેશ ખોટો છે. તેમણે કહ્યું કે જા વહીવટીતંત્ર તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરે તો તેઓ ઉચ્ચ અધિકારીઓ અને કોર્ટનો પણ સંપર્ક કરશે.
સંભલના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે ડિમોલિશનના આદેશને ખોટો ગણાવતા કહ્યું કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થશે ત્યારે તેઓ શૂન્યકાળ દરમિયાન તેની ચર્ચા કરવાનો પ્રયાસ કરશે.
મુઝફ્ફરનગરના સાંસદ હરેન્દ્ર મલિકે આરોપ લગાવ્યો કે સરકાર યુનિવર્સિટીઓ બનાવવાને બદલે તેને તોડી પાડવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે જા સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, તો તેઓ લોકશાહી રીતે આ લડાઈ લડશે.
રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાને કહ્યું કે સરકાર શિક્ષણ વિરોધી છે અને જૌહર યુનિવર્સિટી સામે જારી કરાયેલ ડિમોલિશનનો આદેશ પાછો ખેંચવો જાઈએ.
૧૫ જુલાઈના રોજ, રામપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની ૪૦ ઇમારતોમાંથી ૩૮ ઇમારતોને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો, જેમાં મંજૂર નકશા વિના બાંધકામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી મેનેજમેન્ટે આ આદેશને મુરાદાબાદ ડિવિઝનલ કમિશનરની કોર્ટમાં પડકાર્યો છે. આ અપીલ પર ૨૮ જુલાઈએ સુનાવણી થવાની છે.










































