ખેડા જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન એક અત્યંત ગોઝારી દુર્ઘટના સામે આવી છે. માતર-ખેડા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કાર મોડી રાત્રે અચાનક નિયંત્રણ ગુમાવતા ગરનાળામાં ખાબકી હતી. આ કરૂણ અકસ્માતમાં કારમાં સવાર મદાવાદના રહેવાસી એવા ચાર યુવાનો રાજ રાઠોડ, બિરેન્દ્ર શેખાવત, મુસ્તકીમ રાજપૂત અને મયુર પંચાલના સ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યા છે. આ સિવાય અન્ય ૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિત સ્થાનિક અધિકારીઓના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરૂરી મદદ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ખેડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી અને રસ્તા પર પાણી ભરાયેલા હોવાને લીધે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. માતર-ખેડા હાઈવે પરથી પસાર થઈ રહેલી કાર અચાનક ચાલકે પરનો કાબૂ ગુમાવતાં સીધી ગરનાળામાં જઈ પડી હતી. દુર્ઘટના એટલી ભયાનક હતી કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો.આ ગોઝારા અકસ્માતમાં જાન ગુમાવનાર તમામ ૪ યુવાનો અમદાવાદના રહેવાસી હોવાનું ખુલાસો થયો છે. મૃતકોના નામની વાત કરીએ તો રાજ રાઠોડ, બિરેન્દ્ર શેખાવત, મુસ્તકીમ રાજપૂત અને મયુર પંચાલનો સમાવેશ થાય છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય ૨ યુવાનોને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાને રાખીને ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના સ્થાનિક આગેવાનો અને અધિકારીઓના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તથા ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે સૂચનાઓ આપી હતી.હાલમાં પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાનૂની કાર્યવાહી અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. એકસાથે ૪ આશાસ્પદ યુવાનોના અકાળે મોતથી અમદાવાદમાં રહેતા તેમના પરિવારોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.