અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુંકાવાવ-વડિયા ખાતે મંજૂર થયેલી સરકારી આટ્ર્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના નવા ભવનના નિર્માણ માટે ૩૨,૩૭૬ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. અમરેલી કલેક્ટર દ્વારા જમીન ફાળવણીનો સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પહોંચાડવા પ્રતિબધ્ધ છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે. આ વિશાળ જમીન પર આધુનિક સુવિધાઓથી સજ્જ શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવશે. કોલેજ કાર્યરત બનતા વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. આ નિર્ણયને સ્થાનિક વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યો છે.











































