રાજયમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં ચાર બાળકોના મોત થયા છે. મૃતક બાળકોના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. જ્યારે અન્ય છ બાળ દર્દીઓના મોત થયા છે, જેમાં વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિને પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર સાવચેત બન્યું છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૩ કેસ નોંધાયા છે, જ્યારે સાબરકાંઠામાં ૧૩ કેસ સામે આવ્યા છે. સાબરકાંઠા, પંચમહાલ અને ભાવનગર બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થતા ચિંતા વધી છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને સારવારની કામગીરી તેજ કરવામાં આવી છે.






































