રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સેવા શાખા દ્વારા આજે કોડીનારની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સેવાવૃત્તિ જાગૃત કરવાનો તેમજ શૈક્ષણિક ક્ષેત્રે મદદરૂપ થવાનો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા અને કોડીનાર સેવા પ્રમુખ પિયુષભાઈ બારડ દ્વારા વિદ્યાર્થીનીઓ અને આચાર્યો સમક્ષ સંઘના મૂળભૂત ઉદ્દેશ્યો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્ર આરાધનાઃ સમાજમાં સમરસતા લાવવી અને આપત્તિના સમયે ભેદભાવ ભૂલીને નિઃસ્વાર્થ સેવા કરવી. રાહત દરે નોટબુક વિતરણઃ વિદ્યાર્થીઓને આર્થિક રાહત આપવા માટે ‘માધવ સ્મારક સમિતિ’ દ્વારા આગામી સમયમાં થનારા નોટબુક વિતરણની વિસ્તૃત રૂપરેખા આપવામાં આવી હતી. ભવિષ્યમાં સેવા શાખા દ્વારા સ્વાસ્થ્ય કેમ્પ, સ્કિલ ડેવલપમેન્ટ અને ગ્રામીણ ઉત્થાન જેવા ક્ષેત્રોમાં થનારા કાર્યોનું આગોતરું આયોજન રજૂ કરાયું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના શૈક્ષણિક અગ્રણીઓ અને વિવિધ શાળાઓના સંચાલકો-આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ પોતાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ કરવાનો સંકલ્પ લીધો હતો.








































