સમગ્ર ગુજરાતમાં હાલ મુશળધાર વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સુરતવાસીઓ પર વધુ એક કુદરતી આફત આવી પડી છે. ભારે વરસાદ અને પૂરના સંકટ વચ્ચે સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી માત્ર ૪૨ કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા જ ઘરો અને ઓફિસોમાં રહેલા લોકો ધ્રુજી ઊઠ્યા હતા અને ફફડાટ વ્યાપી ગયો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. પૂરના પાણી અને જળબંબાકાર વચ્ચે જમીન ધ્રૂજતાં જ લોકો જીવ બચાવવા માટે ઘરોની બહાર દોડી આવ્યા હતા. એક તરફ પૂરના પાણી ઘરોમાં ઘૂસી રહ્યા છે અને બીજી તરફ ભૂકંપનો આંચકો આવતાં સુરતવાસીઓ ભારે બેવડી આફતમાં મુકાયા છે.
તંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી જાળવવા માટે અપીલ કરી છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ આંચકાને કારણે કોઈ મોટી જાનમાલની હાનીના સમાચાર નથી, પરંતુ લોકોમાં ડરનો માહોલ ચોક્કસપણે છવાઈ ગયો છે.