સતત વરસાદ, વાદળ ફાટવા અને અચાનક પૂરને કારણે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુક્રવારે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો. ભૂસ્ખલન, પથ્થરો પડવા અને રસ્તા તૂટી પડવાથી અનેક સ્થળોએ ટ્રાફિકમાં ભારે અવરોધ ઉભો થયો. ધિકારીઓએ મુસાફરોને હાઇવે પર મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે.છેલ્લા છ દિવસમાં, જમ્મુ વિભાગમાં વરસાદ અને કુદરતી આફતોને કારણે ૨૬ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે છ ગુમ છે. સૌથી વધુ અસરગ્રસ્ત પૂંચ અને રાજૌરી જિલ્લામાં બચાવ ટીમો ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે.લગભગ ૨૫૦ કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર હાઇવે ઉધમપુર જિલ્લામાં દેઓલ બ્રિજ, સમરોલી અને જખાની અને રામબન જિલ્લામાં બનિહાલ ખાતે અવરોધિત છે. સતત વરસાદ કાટમાળ દૂર કરવા અને રસ્તાના સમારકામના કામમાં અવરોધ ઉભો કરી રહ્યો છે.
હાઇવે બંધ થવાને કારણે જમ્મુ, નાગરોટા, ઉધમપુર, રામબન, લખનપુર અને સાંબા સહિત અનેક સ્થળોએ ૧,૦૦૦ થી વધુ વાહનો ફસાયેલા છે. ભૂસ્ખલન અને રસ્તાના ધોવાણને કારણે અનેક આંતર-જિલ્લા રસ્તાઓ પણ બંધ છે. જાકે, મુઘલ રોડ અને શ્રીનગર-સોનમાર્ગ-ગુમરી રૂટ પર ટ્રાફિક ચાલુ છે.ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, ઉત્તર રેલ્વેએ બડગામ અને બનિહાલથી કટરા સુધી ખાસ ટ્રેનો ચલાવી છે. વધુમાં, ૬૦૦ થી વધુ પ્રવાસીઓને શ્રીનગરથી જમ્મુ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.હવામાન વિભાગે જમ્મુ વિભાગના ઘણા ભાગોમાં, ખાસ કરીને ચેનાબ ખીણ, ઉધમપુર, જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. બપોરે હવામાન ધીમે ધીમે સુધરવાની અપેક્ષા છે, પરંતુ સાંજ સુધી કેટલાક સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહી શકે છે.
સતત વરસાદને કારણે ઘણી નદીઓ અને નાળાઓ પૂરમાં છે. નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂર આવવાથી ઘરો, દુકાનો અને જાહેર સંપત્તિને નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્ર, પોલીસ, ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે.ખરાબ હવામાનને કારણે, અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા, શિવખોરી અને માચૈલ યાત્રા શુક્રવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. જમ્મુ, ઉધમપુર અને રામબનથી અમરનાથ યાત્રાળુઓને લઈ જતા વાહનોને આગળ વધવા દેવામાં આવ્યા નથી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ, કઠુઆ, સાંબા, ઉધમપુર, રામબન અને બનિહાલમાં ૧૫,૦૦૦ થી વધુ યાત્રાળુઓ બેઝ કેમ્પ અને રહેઠાણ કેન્દ્રોમાં રોકાયા છે. હવામાન સાફ ન થાય અને માર્ગ સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી અવરજવર અટકાવવા માટે હાઇવે પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.વરસાદના ડેટા અનુસાર, શુક્રવારે સવારે ૮ઃ૩૦ વાગ્યા સુધીમાં ઉધમપુરમાં સૌથી વધુ ૯૬.૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી બટોટમાં ૮૪.૨ મીમી, રામબનમાં ૬૯.૫ મીમી અને ભદરવાહમાં ૬૫.૭ મીમી વરસાદ નોંધાયો હતો. કઠુઆમાં ૪૫.૧ મીમી, કઠુઆમાં ૪૪.૮ મીમી અને જમ્મુ શહેરમાં ૨૫.૨ મીમી વરસાદ નોંધાયો હતો.










































