નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂર બાદ હવે દુઃખદ તસવીરો સામે આવી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત ગણદેવી તાલુકામાં મૃત્યુઆંક વધીને ૧૭ પર પહોંચી ગયો છે. પૂરનું પાણી ઉતર્યા બાદ અલગ-અલગ વિસ્તારોમાંથી મૃતદેહો મળી રહ્યા હોવાથી સમગ્ર જિલ્લામાં શોકનું વાતાવરણ છવાયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગણદેવી પોલીસ મથક વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૮ મૃતદેહ મળી આવ્યા છે. બચાવ અને શોધખોળ દરમિયાન આ મૃતદેહો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તે જ રીતે બીલીમોરા પોલીસ મથક વિસ્તારમાંથી ૯ મૃતદેહ મળી આવ્યા છે. પૂર દરમિયાન અનેક લોકો પાણીમાં ફસાયા હતા, જ્યારે કેટલાક લોકોનું પૂર પછી અલગ-અલગ કારણોસર મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
પૂર બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓ તેમજ સાપ કરડવાના બનાવો પણ નોંધાયા છે. આ બંને કારણોસર પણ કેટલાક લોકોના મોત થયા હોવાનું તંત્રે જણાવ્યું છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં વીજળી અને ઝેરી જીવજંતુઓનું જોખમ હજુ પણ યથાવત છે.
જિલ્લા વહીવટી તંત્ર,એનડીઆરએફ,એસડીઆરએફ અને અન્ય ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ અને નુકસાનના સર્વેની કામગીરી સતત ચાલુ છે. તંત્ર લોકોને સાવચેતી રાખવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવા અને વીજળી સંબંધિત જાખમોથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે.સતત વધી રહેલા મૃત્યુઆંકને કારણે સમગ્ર નવસારી જિલ્લામાં શોકનું વાતાવરણ જાવા મળી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા જરૂરી સહાય અને રાહત પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.