ધારીના નાની ગરમલી ગામે હાથ ઉછીના આપેલા રૂપિયા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં સામસામે ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ધારીના કરેણ ગામે રહેતા ભરતભાઇ મંગળુભાઇ વાળા (ઉ.વ.૪૦)એ નાની ગરમલી ગામે રહેતા રાજુભાઇ રામકુભાઇ વાળા, મહેન્દ્રભાઇ ઉર્ફે મુન્નાભાઇ રામકુભાઇ વાળા, ધર્મદીપભાઇ રાજુભાઇ વાળા, અશ્વીનભાઇ ભાભલુભાઇ વાળા, રામકુભાઇ કશુભાઇ વાળા, સંજયભાઇ અનકભાઇ વાળા અને રવીરાજભાઇ ઉર્ફે લાલો ભુપતભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમના મજૂર ભાગીયાને રાજુભાઈ રામકુભાઈ વાળાએ હાથ ઉછીના પૈસા આપ્યા હતા, જેના બદલામાં તેઓ તેની પાસે પોતાની વાડીનું કામ કરાવતા હતા. જે બાબતે ભરતભાઈએ ઠપકો આપ્યો હતો. તેનું મનદુઃખ રાખીને પૂર્વ કાવતરું રચી આરોપીઓએ તેમને તથા તેમના કાકાના દીકરા મહીપતભાઇ અને કાકા અનકભાઇને તલવાર, ધારીયું તથા લોખંડના પાઇપ વડે મરણતોલ આડેધડ ઘા મારીને ગંભીર ઇજા કરી હતી. તેમજ તેમના કાકાને જમણા હાથે જીવલેણ તલવારનો ઘા મારી હાથની નસ કાપી નાખી હતી અને શરીરે તથા માથાના ભાગે જીવલેણ ઘા મારી ગંભીર ઇજા કરી હતી. આ ઉપરાંત તેમને તથા સાહેદોને શરીરે આડેધડ મુંઢમાર મારી, ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામા પક્ષે રાજેન્દ્રભાઈ રામકુભાઇ વાળા (ઉ.વ.૪૨)એ ભરતભાઇ મંગળુભાઇ વાળા, મહિપતભાઇ અનકભાઇ વાળા, અનકભાઇ અમરાભાઇ વાળા તથા ભુપતભાઇ ગભરૂભાઇ વાળા સામે સામ રૈજ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ભાગીયાએ આજથી આશરે છએક મહિના પહેલા ભરતભાઈ મંગળુભાઈ વાળા પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા. જે બાબતે બોલાચાલી થઈ હતી અને તેનું મનદુઃખ રાખીને ગાળો આપી હતી. બાદમાં કરેણ ગામથી પોતાના ત્રણ મોટરસાયકલ પર સવાર થઈ, જીવલેણ હથિયારો ધારણ કરી પૂર્વ આયોજિત કાવતરું રચી, તેમના ગામમાં આવીને તેમની તથા સાહેદો ઉપર મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ શરીરે આડેધડ ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.






































