બગસરાની મધ્યમાંથી પસાર થતી અને ગંગા સમાન ગણાતી સાતલડી નદીમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી છોડવામાં આવતાં નાગરિકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.અગાઉ પત્રકાર એકતા પરિષદ અને લોકસહયોગથી આ નદીની સફાઈ કરી તેને સ્વચ્છ બનાવવામાં આવી હતી, પરંતુ પાલિકાની બેદરકારીને કારણે આજે નદી ગંદકી અને અસહ્ય દુર્ગંધનું સામ્રાજ્ય બની ગઈ છે.સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે. આ અંગે પાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયાએ માટી નાખીને હંગામી ધોરણે પાણી રોકવાનો દાવો કર્યો છે, પરંતુ હજી પણ ગટરનું ગંદુ પાણી નદીમાં વહી રહ્યું છે.સત્તાના મદમાં પાલિકા સત્તાધીશોની આ નિષ્ક્રિયતા સામે લોકઆક્રોશ ભભૂકી ઊઠ્યો છે અને તંત્ર વિરુધ્ધ ભારે ચર્ચા જાગી છે.










































