અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામ ખાતે આવેલ પ્રાચીન શિવ મંદિરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વધુ રૂ.૨.૫૭ કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ આ પ્રકલ્પ માટે રૂ.૬૩.૧૭ લાખની મંજૂરી આપવામાં આવી હતી અને હવે વધારાની મંજૂરી સાથે સમગ્ર મંદિર પરિસરના વિકાસ માટે કુલ રૂ.૩.૨૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ વિકાસથી મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનનું મહત્વનું સ્થળ બની રહેશે.આ વિકાસ યોજનામાં મંદિર પરિસરમાં અંદાજે ૩૫ ફૂટ ઊંચા મુખ્ય શિખરનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત યજ્ઞશાળા, પૂજારી નિવાસ, ગેઝિબો, લીલી પોન્ડ, આકર્ષક પ્રવેશદ્વાર, પુરુષ અને મહિલાઓ માટે અલગ શૌચાલય, સુવ્યવસ્થિત બગીચો તેમજ ભક્તોને વધુ સુવિધા મળી રહે તે માટે જરૂરી માળખાકીય સુવિધાઓનું નિર્માણ પણ કરવામાં આવશે. પરંપરાગત વાવ, હરિયાળી અને અન્ય સુવિધાઓના વિકાસ દ્વારા સમગ્ર સ્થળને આધ્યાત્મિકતા અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે વિકસાવવામાં આવશે જેથી અહીં આવતા ભક્તો અને પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળી શકે. રાજયમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે આસ્થા અને વિકાસ એકબીજાના પૂરક છે.સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની સાથે આધુનિક સુવિધાઓનો સમન્વય રાજ્યના વિકાસ માટે જરૂરી છે. દેવભૂમિ દેવશિયાના આ પ્રાચીન શિવ મંદિરના વિકાસથી સમગ્ર વિસ્તારના ધાર્મિક પ્રવાસનને નવી દિશા મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.મંદિરના વિકાસ બાદ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ અહીં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે સાંસ્કૃતિક વારસાના જતન અને વિકાસ માટે સરકાર સતત પ્રતિબધ્ધ છે. મંદિરનો વિકાસ પૂર્ણ થયા બાદ દેવભૂમિ દેવશિયા રાજ્યના મહત્વના ધાર્મિક પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવશે અને સમગ્ર અમરેલી જિલ્લામાં ધાર્મિક, સામાજિક તેમજ આર્થિક વિકાસને નવી ગતિ મળશે.








































