રાજુલા તાલુકા અને શહેરમાં જન્મ-મરણના દાખલા મેળવવા માટે જનતા રઝળપટ્ટ કરવા મજબૂર બની છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી મામલતદાર કચેરીમાં છેલ્લા બે વર્ષથી ૭૦૦થી વધુ અરજીઓ ધૂળ ખાતી હોવાની ગંભીર રજૂઆત કરી છે.તંત્રની નિષ્ક્રિયતાના કારણે વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલોને શિક્ષણ, સરકારી યોજનાઓ, વારસાઈ પ્રક્રિયા, આધાર કાર્ડ અને પાસપોર્ટ જેવા અત્યંત મહત્વના કામોમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા કોંગ્રેસ નેતાએ આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.તેમણે ચિંતન વ્યક્ત કરતા જણાવ્યું કે, સામાન્ય પ્રજા મૂળભૂત અધિકારો માટે બે-બે વર્ષ સુધી ધક્કા ખાય તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. પડતર કેસોનો વિલંબ વગર ત્વરિત નિકાલ કરી બેદરકાર અધિકારીઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની માંગણી તેમણે કરી છે.