રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ભારે ધોધમાર બેટિંગ કરતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે પૂર જેવા દ્રશ્યો સર્જાતાં વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. અતિશય પાણી ભરાઈ જવાના કારણે સનાથલથી બગોદરા સુધીનો હાઈવે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.
બાવળા સ્થિત ગેલોપ્સ પાર્ક પાસે ભારે વરસાદી પાણી ભરાઈ જતાં અંદાજે ૯૦૦ જેટલા લોકો ફસાયા હોવાના અહેવાલ મળ્યા છે. આ કટોકટીની ક્ષણે પોલીસ અને એસડીઆરએફની ટીમો દ્વારા ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે યુદ્ધધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સનાથલથી બગોદરા (ચાંગોદર-બાવળા વચ્ચે) હાઈવે બંધ થતાં અમદાવાદ અને રાજકોટ વચ્ચેની વાહનવ્યવહાર સેવા ઠપ્પ થઈ ગઈ છે. ૧૨ કલાક વિત્યા બાદ પણ રસ્તા પરથી પાણી ન ઓસરતાં તંત્ર દ્વારા વાહનચાલકો માટે વૈકÂલ્પક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદથી રાજકોટ કે સૌરાષ્ટÙ તરફ જતા અને રાજકોટથી અમદાવાદ તરફ આવતા તમામ વાહનોને બગોદરાથી વેજળકા થઈને નવા ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય પોલીસ અને વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ ચાલતા રેસ્ક્્યૂ ઓપરેશનમાં સાથ-સહકાર આપવા વિનંતી કરી છે.
ભારે વરસાદ અને ઘોડાપૂરે રાજ્યભરમાં ભારે તારાજી સર્જી છે. પૂરના પાણીમાં તણાઈ જવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોત નીપજ્યા છે. જેમાં સુરતમાં ૨, નવસારીમાં ૪, તથા અમરેલીમાં અઢી વર્ષની બાળકી અને એક ખેતમજૂરનું મોત સમાવિષ્ટ છે. જ્યારે વિરપુર તરફ જતા રસ્તે ઘોડાપૂરમાં એક કાર તણાઈ ગઈ હતી, જેના ચાલકની શોધખોળ હજુ પણ ચાલુ છે. તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાંથી ૪૦,૫૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ૬,૩૬૭ લોકોને રેસ્ક્યુ કરીને ઉગારી લેવાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યાતાઓ સેવાઈ રહી છે. રાજ્યના ૭ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. અમદાવાદ, રાજકોટ અને વાવ-થરાદ સહિત ૧૫ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર છે. કચ્છ, જામનગર, નર્મદા અને વલસાડ સહિત ૧૨ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને ભારે વરસાદ દરમિયાન ઘરની બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.