સૌરાષ્ટ્રના મોટા ગણાતા ડેમો પૈકી ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે પૂરતો ભરાઈ જઈ ઓવરફ્લો થવા પામ્યો છે. ભાદર-૨ ડેમના સેક્શન અધિકારી ધ્રુવ મહેતાના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાં સારા વરસાદને લીધે ડેમમાં ૪૦ હજાર ક્યુસેક પાણીની પુષ્કળ આવક થઈ છે. હાલ ૫૨.૫૦ રૂલ લેવલ જાળવી રાખીને ૪૦ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૪૦ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના માટે ડેમના ૫ દરવાજા ૬ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા તંત્ર દ્વારા નદીકાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવધ કરી એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ, ધોરાજી વિસ્તારમાં થયેલી મેઘમહેરથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.









































