સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ થયો હતો. ધારી તાલુકાના આંબરડી ગામના ખેડૂત કરશનભાઈ સવજીભાઈ ટાંકનો નવો કપાસ મહેતા ભરતકુમાર દલીચંદના કમિશનમાં વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. નવા કપાસની આવકને પગલે ચેરમેન દીપકભાઈ માલાણીના હસ્તે વિધિવત પૂજન કરી શ્રીફળ વધેરી હરરાજીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતો અને વેપારીઓનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. મુહૂર્તના કપાસની ખરીદી માટે વેપારીઓ વચ્ચે ઉત્સાહભેર બોલીઓ લાગી હતી. જેમાં સીતારામ ટ્રેડિંગે રૂ. ૨૬૦૧ની સૌથી ઊંચી બોલી લગાવી કપાસની ખરીદી કરી હતી. પ્રસંગે વાઇસ ચેરમેન, ડિરેક્ટરો, યાર્ડના સ્ટાફ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુહૂર્તમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.







































