દામનગર શહેરના જૂની શાક માર્કેટ પાછળ અને જૈન વાડી નજીક આવેલ કોળીવાડ વિસ્તારમાં છેલ્લા ૩૫ વર્ષથી વધુ સમયથી વીજ વપરાશ માટે ઊભો કરવામાં આવેલો સિમેન્ટનો થાંભલો નીચેના ભાગથી અત્યંત જર્જરિત થઈ ગયો હતો. આ બાબતે
જાગૃત નાગરિક અતુલ શુક્લાએ તંત્રને રજૂઆત કરી હતી અને અખબારોમાં પણ અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. સમાચાર બાદ પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર એમ. એમ. પટેલની દેખરેખ હેઠળ કર્મચારી એમ.બી. ડાંગર અને તેમની સાથી ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગત શનિવારે ચાલુ વરસાદે કોઈપણ જાતની અડચણ વગર જૂનો જર્જરિત થાંભલો દૂર કરીને નવો થાંભલો સફળતાપૂર્વક ઊભો કરી દેવામાં આવ્યો હતો. આ ભયમુક્ત કામગીરી બદલ સ્થાનિક રહીશોએ વીજ ટીમનો આભાર માન્યો હતો.









































