સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારને ‘ફાટક મુક્ત’ કરવાના અભિયાનને મોટી સફળતા મળી છે. કેન્દ્ર સરકારે રૂ. ૩૨.૫૪ કરોડના ખર્ચે ત્રણ મહત્વપૂર્ણ રેલવે અન્ડરબ્રિજના નિર્માણને મંજૂરી આપીને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સતત પ્રયાસો બાદ આ વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. આ યોજના હેઠળ ત્રણ સ્થળો પર આધુનિક અન્ડરબ્રિજનું નિર્માણ થશેઃ લીલીયાઃ LC-41C (સરકારી હોસ્પિટલ નજીક) નાના લીલીયાઃ LC-42B-1 (અમરેલી-ક્રાંકચ રોડ) સાવરકુંડલાઃ LC-61C (સ્મશાન નજીક) અન્ડરબ્રિજ બનવાથી દૈનિક હજારો વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને રેલવે ફાટક પરના ટ્રાફિક અને લાંબી રાહમાંથી મુક્તિ મળશે. સાથોસાથ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ અવરોધ વિના ઝડપથી પસાર થઈ શકશે.આ નિર્ણય બદલ ધારાસભ્યશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સાંસદ ભરતભાઈ સુતરીયાનો આભાર વ્યક્ત કર્યો છે. સ્થાનિક નાગરિકોએ પણ આ વિકાસકાર્યને આવકાર્યું છે.