અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. અભિયાન અંતર્ગત સેન્ટર પોઈન્ટ સર્કલ, ઓમ નગર, લાઠી રોડ સહિતના જાહેર માર્ગો અને સ્થળોએ સઘન સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. નગરપાલિકા ટીમે રસ્તાઓ પરથી કચરો હટાવી, ઝાડુ લગાવી શ્રમદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી અમરેલી જિલ્લામાં તાલુકા તેમજ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાશે. સરકારી વિભાગોની જિલ્લા કચેરીઓમાં પણ સફાઈ અભિયાન હાથ ધરાશે. સ્વચ્છતા જાહેર આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી નગરપાલિકા દ્વારા નાગરિકોને પણ પોતાના ઘરની આસપાસ સફાઈ રાખી અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરાઈ છે.