બગસરામાં બ્રહ્મ સમાજના કારોબારીના પૂર્વ સદસ્યના ભાઈ કિરીટભાઈ રમણીકભાઈ ત્રિવેદી (ઉંમર ૬૩)નું અચાનક હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. કિરીટભાઈ અપરિણીત હતા અને પોતાના ભાઈ સાથે રહેતા હતા. ગત રોજ તેઓ રસોઈ કરી રહ્યા હતા ત્યારે અચાનક તબિયત લથડતાં રસોડામાં જ તેમનું નિધન થયું હતું. આ ઘટનાથી બ્રહ્મ સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી. આજે સવારે તેમની અંતિમયાત્રા યોજાઈ હતી. સંતાન ન હોવાથી તેમના ભાઈની પાંચ દીકરીઓ શીતલબેન, રૂપલબેન, નિમિષાબેન, નિશાબેન અને રિદ્ધિબેને ભીંજાતી આંખે કાકાની અંતિમયાત્રાને કાંધ આપી હતી. ભત્રીજીઓએ કાકાની અંતિમવિધિમાં પુત્રની જવાબદારી નિભાવી સમાજમાં ‘દીકરો અને દીકરી એક સમાન’નો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.