અમરેલી શહેરમાં ગઈ કાલે મોડી રાત્રે એક યુવક પર જીવલેણ હુમલો કરી તેના ગળામાંથી સોનાની ચેન અને ખિસ્સામાં રહેલી રોકડ લૂંટી લેવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવ બાદ શહેર પોલીસ મથકે લૂંટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફરિયાદી ચિરાગભાઈ હરિભાઈ ગોહિલના જણાવ્યા મુજબ તેઓ દૂધ લઈને જેસિંગપરા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી ખોટી દિશામાં આવેલા જાવેદભાઈ અને સોહિલભાઈ નામના બે શખસોએ તેમની મોટરસાયકલ રોકી ગાડીની ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ તેમની સાથે ગાળો બોલી મારપીટ કરવામાં આવી હતી. હુમલા દરમિયાન તેમના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તેમજ પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલાખોરો તેમના ખિસ્સામાં રહેલા ૧૯ હજાર રૂપિયા રોકડા તેમજ અંદાજે ૫૦ હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેન લૂંટી ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત ચિરાગભાઈને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. બાદમાં ચિરાગભાઈએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાના પગલે હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મધરાતે પોલીસ મથકે પહોંચ્યા હતા. તેઓએ ઘટનાની ગંભીરતા મુજબ કડક કલમો ઉમેરવાની માંગ કરી હતી. માંગણીઓનો યોગ્ય પ્રતિસાદ ન મળતા લોકોએ પોલીસ મથકના પરિસરમાં સતત રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહ્યો હતો. સામાજિક કાર્યકર સંજયભાઈ પોકળે જણાવ્યું હતું કે ટાવર રોડથી પાણી દરવાજા સુધીના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમના જણાવ્યા મુજબ ચિરાગભાઈ પર અત્યંત ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાયબ પોલીસ અધિકારી ચિરાગ દેસાઈ પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે આગેવાનો અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તથા પીડિતને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વિરોધ સમેટવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.