સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આવેલા આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટમાં ખેડૂતોની જમીનમાં કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર સોલાર પ્લેટો અને પ્લાન્ટ ઉભો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયમ મુજબ જમીન બિનખેતી કરી ઔદ્યોગિક ઉપયોગની પરવાનગી મેળવ્યા બાદ પ્લાન્ટ શરૂ કરી શકાય છે. આ મામલે અમરેલી કલેક્ટરની કોર્ટમાં શરત ભંગનો કેસ ચાલ્યો હતો. કલેક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે પ્લાન્ટ ઉભો કરાયેલા સર્વે નંબરો પરથી દબાણ દૂર કરવાનો આદેશ કરાયો હતો. જોકે, આદેશ બાદ પણ સાવરકુંડલા મામલતદાર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યુ નથી તેથી ત્રણ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવાની ચીમકી સાથે એડવોકેટ કેતનભાઈ ખુમાણે મામલતદારને લેખિત રજૂઆત કરી છે.