કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં આવેલી કેનાલમાંથી વન વિભાગની ટીમે વધુ એક મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ કર્યું છે. છેલ્લા એક મહિનામાં આ વિસ્તારની કેનાલમાંથી ૧૦થી વધુ મગરો ઝડપાયા
છે. વન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદ ખેંચાતાં નદીઓમાં પાણી ઘટવાથી મગરો પાણીની શોધમાં વારંવાર કેનાલ તરફ આવી રહ્યા છે.
ચંદ્રમોલેશ્વર મંદિર પાછળ કેનાલમાં મગર દેખાતાં સ્થાનિકની જાણ બાદ ફોરેસ્ટર એમ.જી. દમણીયા, ગાર્ડ આર.વી. વાળા અને ટ્રેકર્સની ટીમે ગ્રામજનોના સહયોગથી તેને સલામત સ્થળે ખસેડ્‌યો હતો. આ ઉપરાંત સુગાળા ગામના નાળામાંથી પણ એક મહાકાય મગર પકડાયો હતો. સદ્‌નસીબે મગરો દ્વારા હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે મગર દેખાતાં તેની નજીક જવા કે પકડવાના અખતરા કરવાને બદલે તાત્કાલિક વિભાગને જાણ કરવી.