બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેના માટે છેલ્લા વર્ષથી વેરો પણ વસૂલવામાં આવી રહ્યો છે. તેમ છતાં શહેરના અનેક માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણાં રોડના લેવલથી નીચે ઉતરી ગયા છે અથવા તૂટી ગયેલી હાલતમાં જોવા મળે છે. વરસાદી માહોલમાં કેટલીક જગ્યાએ ગટરના પાણી રસ્તા પર વહેતાં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ, વૃધ્ધો અને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. સ્થાનિકોમાં આક્ષેપ છે કે માર્ગ નિર્માણ દરમિયાન ગટરના ઢાંકણાં અને રોડનું લેવલ સમાન રાખવામાં બેદરકારી દાખવાઈ છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં ઉતરી ગયેલા અને ક્ષતિગ્રસ્ત ઢાંકણાં બદલવાની લોકો દ્વારા માંગ ઉઠી છે.