ભાવનગર શહેરના નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વીજ લાઈન અને મેઇન્ટેનન્સની તાકીદની કામગીરીને પગલે આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પાવર કટ જાહેર કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી ત્રણ દિવસ એટલે કે ૨૦ જુલાઈથી ૨૨ જુલાઈ દરમિયાન સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેથી નાગરિકોને પોતાના જરૂરી કાર્યો વહેલી તકે પતાવી લેવા અનુરોધ કરાયો છે.
અઠવાડિયાના પ્રથમ દિવસે મુખ્યત્વે ઔદ્યોગિક અને તેની આસપાસના વિસ્તારોમાં મેઇન્ટેનન્સ હાથ ધરાશે. જેમાં માઢીયારોડ, ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર, વિક્ટર અને નારીરોડ, બાનુબેનની વાડી અને ખાતરવાડી સહિતના આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.
બીજા દિવસે શહેરની અનેક જાણીતી રહેણાંક સોસાયટીઓમાં સવારના સમયે વીજળી ગુલ રહેશે. જેમાં ગિરનાર સોસાયટી, રામદેવનગર અને ગોકુળનગર, ગઢેચી રોડ, રેયોન કમ્પાઉન્ડ અને અમર સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ત્રીજા અને અંતિમ દિવસે કુંભારવાડા અને શિશુવિહાર જેવા હાર્દસમા વિસ્તારોમાં પાવર કટ રહેશે. આ સિવાય ખેડૂતવાસ અને રાજપૂત સોસાયટી, રુવાપરીથી પ્રભુદાસ તળાવ સુધીનો વિસ્તાર અને શિશુવિહાર અને કુંભારવાડા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં વીજ ફોલ્ટ નિવારી શકાય તે માટે આ પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સ અને લાઈન અપગ્રેડેશનની કામગીરી અનિવાર્ય બની છે. સવારે ૬ થી ૧૨ દરમિયાન ઘરવપરાશના વિદ્યુત ઉપકરણો તેમજ પાણી ખેંચવાની મોટર વગેરેનો ઉપયોગ વહેલી તકે કરી લેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.