રાજ્યમાં આવેલા તળાવો સહિતની વિવિધ વોટરબોડીની જાળવણી અને તેની સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૦૨માં હાઈકોર્ટે આપેલા આદેશની ૨૪ વર્ષ બાદ પણ યોગ્ય અમલવારી થઈ ન હોવાની ફરિયાદ સામે કોર્ટે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે. રાજ્યભરમાં આવેલી વોટરબોડીની અગાઉની સ્થિતિ અને હાલની સ્થિતિ વચ્ચે કેટલો ફેરફાર થયો છે તે જાણવા હવે હાઈકોર્ટ દ્વારા ઇસરોની મદદ લેવામાં આવશે. આ માટે કોર્ટમાં ચાલી રહેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ઇસરોને પક્ષકાર તરીકે જાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટે રાજ્યભરની વોટરબોડી અંગે વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. તળાવો અને અન્ય જળાશયોની મૂળ સ્થિતિ શું હતી, હાલ તેની સ્થિતિ શું છે અને સમયાંતરે તેમાં કેટલો ફેરફાર થયો છે તેની વિગતો પણ રિપોર્ટમાં રજૂ કરવાની રહેશે.
કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે વોટરબોડીની યોગ્ય જાળવણી અને સંરક્ષણના અભાવે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ દરમિયાન પણ પાણી ભરાવા સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જળાશયો અને કુદરતી પાણીના નિકાલના માર્ગોની સ્થિતિ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૦૨માં કોર્ટ દ્વારા વોટરબોડી અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપવામાં આવ્યા હોવા છતાં લગભગ ૨૪ વર્ષ બાદ પણ તેના યોગ્ય અમલ અંગે સવાલો ઉઠતાં હાઈકોર્ટે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. કોર્ટે રાજ્ય સરકારને અગાઉના આદેશોના અમલ અંગે સ્પષ્ટતા કરવા પણ કહ્યું છે.
મામલાની સુનાવણી દરમિયાન દ્વારકાની વોટરબોડી સંબંધિત મુદ્દો પણ સામે આવ્યો હતો જેને પગલે હાઈકોર્ટે દ્વારકા કલેક્ટર તેમજ સંબંધિત વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને કોર્ટમાં હાજર રહેવા માટે હુકમ કર્યો છે અને સમગ્ર મામલે જરૂરી ખુલાસો રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
આ અંગે એડવોકેટ ભાસ્કર તન્નાએ જણાવ્યું હતું કે, રાજ્યની વોટરબોડીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે ટેક્નોલોજીની મદદથી અગાઉની અને વર્તમાન Âસ્થતિની સરખામણી કરવી જરૂરી છે. કોર્ટના આદેશ બાદ હવે ઇસરોની મદદથી રાજ્યભરના તળાવો અને અન્ય જળાશયોની સ્થિતિ અંગે વધુ ચોક્કસ માહિતી સામે આવી શકે છે.હાઈકોર્ટના આ નિર્દેશ બાદ હવે રાજ્યની વોટરબોડી અંગે સરકાર દ્વારા શું રિપોર્ટ રજૂ કરવામાં આવે છે અને વર્ષ ૨૦૦૨ના આદેશની અમલવારી અંગે સરકાર શું ખુલાસો કરે છે તે જાવું રહ્યું.વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.૨૦૦૨ના હુકમમાં ખાસ કરીને રાજ્યભરના કુદરતી અને માનવસર્જિત તળાવો, તળાવડી, ચેકડેમ અને અન્ય વોટરબોડીનું સર્વેક્ષણ, તેમની માપ, ઊંડાઈ અને સ્થળની વિગતો સાથે યાદી તૈયાર કરવાની માગણી સામે કોર્ટ સમક્ષ મુદ્દો આવ્યો હતો. કોર્ટએ ૨૦૦૨ના નિર્દેશોનું મહત્વ ફરી રેખાંકિત કર્યું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે ૨૦૦૨ના આદેશ મુજબ વોટરબોડીની ઓળખ કરી તેને જાળવવી, સંરક્ષણ કરવું, અન્ય ઉપયોગ માટે તેનો કબજા કે હસ્તાંતરણ ન કરવો, પાણીની ગુણવત્તાનું સમયાંતરે નિરીક્ષણ કરવું, વોટર બોડી ને પુનઃજીવન આપવું અને વરસાદી પાણીના નિકાલ તથા રિચાર્જની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ ઉપરાંત ૨૦૦૨ના આદેશમાં વોટરબોડી પરના દબાણો અંગે વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને પંચનામા દ્વારા અધિકૃત રેકોર્ડ તૈયાર કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની વાત પણ હતી. તળાવની આસપાસ બાંધકામ પ્રતિબંધિત રાખવાની પરિઘીય જગ્યા નક્કી કરીને તેને જાહેર કરવાની પણ જાગવાઈ કરવામાં આવી હતી.







































