ગુજરાતમાં આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા ૧૦૦થી વધુ સ્થાનિક યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સક્રિય કરવાનું એક મોટું ષડયંત્ર રચાયું હતું, જેનો ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ નેટવર્ક અંતર્ગત મદ્રાસાઓમાં જેહાદી સાહિત્ય વહેંચીને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, જેથી ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ જેવી મોટી હિંસક ઘટનાઓને અંજામ આપી શકાય. જાકે, એટીએસની ટીમે સમયસર તપાસ હાથ ધરીને મુખ્ય આતંકવાદીઓ સહિત તેમના સમગ્ર નેટવર્કને ઝડપી લીધું છે. હાલ આ મામલે સઘન પૂછપરછ ચાલી રહી છે અને આગામી સમયમાં તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્યતા એટીએસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જેશ-એ-મોહમ્મદના આકાઓ દ્વારા ગુજરાતના ૧૦૦થી વધુ સ્થાનિક યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ વાળવા અને તેમને સક્રિય કરવા માટેનું એક ચોક્કસ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. આ નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોનું ધાર્મિક કટ્ટરતા તરફ બ્રેઈનવોશ કરીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં જાડવાનો હતો.
આ નેટવર્ક અત્યંત ગુપ્ત રીતે પોતાનું કામ કરી રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે કેટલીક મદ્રાસાઓ અને ચોક્કસ વિસ્તારોમાં જેહાદી સાહિત્ય અને ભડકાઉ સામગ્રીવહેંચવામાં આવતી હતી. યુવાનોના મનમાં કટ્ટરતાના બીજ વાવીને તેમને દેશની વ્યવસ્થા સામે ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવતા હતા. સોશિયલ મીડિયા અને પર્સનલ મીટિંગ્સ દ્વારા યુવાનોને આ ભ્રમિત માર્ગે ચાલવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા.
ગુજરાત એટીએસની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને આ સમગ્ર મોડ્યુલના મુખ્ય આતંકવાદીઓ અને તેમની સાથે જાડાયેલા નેટવર્કને ઝડપી લીધા છે. તેમની પાસેથી વાંધાજનક ડિજિટલ પુરાવા અને સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે. આ પર્દાફાશ બાદ જે સૌથી ચોંકાવનારી વિગત સામે આવી છે તે એ છે કે, આ નેટવર્ક માત્ર યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું જ કામ નહોતું કરતું, પરંતુ તેઓ ગુજરાતમાં મોટા પાયે બોમ્બ બ્લાસ્ટ અને હિંસક ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા. રાજ્યની શાંતિ અને સલામતી જાખમાય અને જાનમાલનું મોટું નુકસાન થાય તેવું ભયાનક કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. જા કે, આ ષડયંત્ર તેના અંતિમ તબક્કા સુધી પહોંચે તે પહેલાં જ એજન્સીઓએ તેના પર પાણી ફેરવી દીધું છે.
હાલમાં એટીએસની ટીમ પકડાયેલા શંકાસ્પદોની સઘન પૂછપરછ કરી રહી છે. આ નેટવર્કને ફંડિંગ ક્યાંથી મળતું હતું, સ્થાનિક સ્તરે તેમને કોણ મદદ કરી રહ્યું હતું અને પાકિસ્તાન બેઠેલા આકાઓ સાથે તેમનો સંપર્ક કઈ એપ્લિકેશન દ્વારા થતો હતો તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.એટીએસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની અને અન્ય કેટલાક સ્થાનિક સાગરીતોની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ હાલ હાઈ એલર્ટ પર છે અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય રાખવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.








































