જસદણ તાલુકાના પાંચવડા ગામે નદી કાંઠેથી એક બિનવારસી બંધ સૂટકેસમાંથી અજાણ્યા શખ્સનો કોહવાયેલી અને માનવ કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોની જાણ થતાં જ આટકોટ પોલીસ ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસની હાજરીમાં સૂટકેસ ખોલવામાં આવતા અંદરથી જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલી હાડપિંજર બનેલી લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ શખ્સની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી મૃતદેહને સૂટકેસમાં પેક કરી ફેંકી દેવાયો હોવાની શંકા સેવાઈ રહી છે. બનાવની ગંભીરતા જોઈને આટકોટ પોલીસ, રાજકોટ ગ્રામ્ય LCB અને SOG ની ટીમોએ સ્થળ તપાસ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે મોકલી આપ્યો છે. પોલીસે ગુમશાહ નોંધી મૃતકની ઓળખ મેળવવા અને આ હત્યા પાછળના કારણો તથા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.